મારા વિશે / મારો પરિચય

My photo
અંજાર, કચ્છ, India
નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ પી.ગજ્જર છે .હું કચ્છ માં આવેલ અંજાર શહેર માં રહું છું. પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણ અહીની શાળામા લઇ S.S.C અને અને H.S.C પાસ કર્યુ. હાલમાં વેબ ડેવલોપ નો અભ્યાસ કરી રહ્યો છુ. શાળા ના આ દિવસોમાં મને અભ્યાસ ની સાથે ગુજરાતી સાહિત્ય ફ્રી ટાઈમ એ વાંચવાનો અને લખવાનો પણ બહુ શોખ હતો આ બ્લોગ મેં મારા વિચારો અને કઈ નવું તમારા સમક્ષ શેર કરી શકું એ હેતુ થી બનાવેલ છે.
Showing posts with label ગીત. Show all posts
Showing posts with label ગીત. Show all posts

Sunday, 24 November 2013

મન મોર બની થનગાટ કરે


મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહું ઓર
મારું મન મોર બની થનગાટ કરે

બહુ રંગ ઉમંગનાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ
પ્રાણ કોને કલસાદ કરે
મન મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા
ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે

નવ ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે
નવ દીન કપોતની પાંખ ખૂલે

મધરા મધરા મલકાઈને મેંડક
મેહસું નેહસું બાત કરે
ગગને ગગને ઘૂમરાઈને પાગલ
મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે

નવ મેઘ તણે નીલ આંજણીએ
મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે
વનછાંય તળે હરિયાળી પરે
મારો આતમ લહેર બિછાત કરે

સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો
પથરાઈ સારી વનરાઈ પરે
ઓ રે  મેઘ આષાઢીલો આજ મારે
દોય નેન નીલાંજન ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ કરી લટ મોકળીયું
ખડી આભ મહોલ અટારી પરે
ઊંચી મેઘ મહોલ અટારી પરે

અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે

ઓલી વીજ કેરે અંજવાસ
નવેસર રાસ લેવા અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી
વિખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે

નદી તીર કેરાં કૂણાં ઘાસ પરે
પનિહારી એ કોણ વિચાર કરે
પટકૂળ નવે પાણી ઘાટ પરે

એની સૂનમાં મીટ સમાઈ રહી
એની ગાગર નીર તણાઈ રહી
એને ઘર જવા દરકાર નહિ

મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી
કોણ બીજા કેરું ધ્યાન ધરે
પનિહારી નવે શણગાર નદી કેરે તીર
ગંભીર વિચાર કરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ હિંડોળ ચગાવત
એકલ ફૂલ બકુલની ડાળ પરે
ચકચૂર બની ફૂલ ડાળ પરે

વિખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ નીંડોળ ને ડાળ હલે
શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે

એની ઘાયલ દેહના છાયલ છેડલા
આભ ઊડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત
એકલ ફૂલ બકુલની ડાળ પરે
મન મોર બની થનગાટ કરે

મોર બની થનગાટ કરે
આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે

તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે
નવ બાદલને ઉર આગ બૂઝે
નદી પૂર જાણે વનરાજ ગુંજે

હડૂડાટ કરી સારી સીમ ભરી
સરિતા અડી ગામની દેવડીએ
ઘનઘોર ઝરે ચહું ઓર
મારું મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે

રચનાઃ ઝવેરચંદ મેઘાણી
[કવિ પરિચય] 

મને લાગ્યો કસુંબીનો રંગ !

લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…
પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !
- ઝવેરચંદ મેઘાણી[કવિ પરિચય]