મારા વિશે / મારો પરિચય

My photo
અંજાર, કચ્છ, India
નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ પી.ગજ્જર છે .હું કચ્છ માં આવેલ અંજાર શહેર માં રહું છું. પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણ અહીની શાળામા લઇ S.S.C અને અને H.S.C પાસ કર્યુ. હાલમાં વેબ ડેવલોપ નો અભ્યાસ કરી રહ્યો છુ. શાળા ના આ દિવસોમાં મને અભ્યાસ ની સાથે ગુજરાતી સાહિત્ય ફ્રી ટાઈમ એ વાંચવાનો અને લખવાનો પણ બહુ શોખ હતો આ બ્લોગ મેં મારા વિચારો અને કઈ નવું તમારા સમક્ષ શેર કરી શકું એ હેતુ થી બનાવેલ છે.

Sunday, 24 November 2013

મને લાગ્યો કસુંબીનો રંગ !

લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…
પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !
- ઝવેરચંદ મેઘાણી[કવિ પરિચય]

No comments:

Post a Comment